પોલીસની ત્રણ દિવસની ખાસ ડ્રાઇવમાં 105 સ્કૂલ વાનોને દંડ અને 14 સ્કૂલ વાન ડિટેઇન
મોરબી : મોરબીમાં પોલીસે ત્રણ દિવસની ખાસ ડ્રાઇવ યોજી 18 વર્ષથી નીચેના બાળકોને શાળાએ જવા સ્કૂટર આપનાર 19 વાલીઓ સામે કેસ કર્યો છે. આ સાથે 105 જેટલા સ્કૂલ વાન સામે દંડનીય કાર્યવાહી તેમજ 14 વાનને ડિટેઇન કરવામાં આવ્યા છે.
મોરબી પોલીસ દ્વારા અન્ડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર તા.1થી 3 દરમિયાન ત્રણ દિવસની સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ દરમિયાન કુલ 708 સ્કુલ વાન ચેક કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિક નિયમોનું ભંગ કરતા 105 સ્કુલ વાહનોને સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહન ચાલકોને રૂ.48,900 દંડ ફટકારવામાં આવ્યો હતો. એમ.વી.એક્ટ 207 મુજબ કુલ 14 સ્કુલ વાહનોને ડીટેઇન કરવામાં આવ્યા હતા. અંડર-એજ ડ્રાઇવીંગ કરનારા સગીર વયના બાળકોના વાલી ઉપર કુલ 19 કેસો કરવામાં આવ્યા હતા.
આ વેળાએ સ્કુલ વાન ચાલકોના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમો તથા આર.ટી.ઓ.ના નિયમોનું પાલન કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળા સંચાલકોને પણ રોડ સેફટી બાબતે પ્રાદેશીક વાહન વ્યવહાર કમિશનર તરફથી તથા જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી આપવામાં આવેલ સૂચના તથા પરીપત્રનુ પાલન કરવા સમજ આપવામાં આવી હતી.



