લિવ ઇન રિલેશનમાં રહેતી પત્ની પુત્રને લઈને અમદાવાદ ચાલ્યા ગયા બાદ ત્રાહિત વ્યક્તિએ આપી ધમકી
ટંકારા : ટંકારા તાલુકાના ગજડી ગામના ખેડૂત યુવાન સાથે લિવ ઇન કરાર કરીને રહેતી યુવતી યુવાનને છોડી અમદાવાદ ચાલ્યા ગયા બાદ જ્યા આશ્રય મેળવ્યો છે તેવા ત્રાહિત વ્યક્તિએ ગજડીના ખેડૂત યુવાનને ટેલિફોનિક ધમકી આપી ગુલબાઈ ટેકરાની ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની અવાર નવાર ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ટંકારાના ગજડી ગામે રહેતા પ્રકાશભાઈ કાળુભાઇ ડાંગર ઉ.44 નામના ખેડૂતે ટંકારા પોલીસ મથકમાં આરોપી અશોક જયંતીલાલ ભારતીય રહે.વાંસણા અમદાવાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીએ વર્ષ 2016માં રિટા નાગજીભાઈ સરવૈયા સાથે લિવ ઇન રિલેશન કરાર કર્યા હતા અને બાદમાં બન્ને વચ્ચેના સંબંધોને લઈ એક પુત્રનો જન્મ થયો હતો.જો કે પુત્ર જન્મ બાદ લિવ ઇન પાર્ટનર વચ્ચે ખટરાગ થતા રિટા અમદાવાદ ખાતે અશોક જયંતીલાલ ભારતીય સાથે રહેવા ચાલી ગઈ હતી અને ફરિયાદી પ્રકાશભાઈ સામે કેસ કર્યા હોય કોર્ટ મેટર ચાલી રહી છે.
બીજી તરફ હાલના પ્રકાશભાઈની લિવ ઇન પાર્ટનર રિટા અશોકભાઈ સાથે અમદાવાદ ખાતે રહેતી હોય આરોપી અશોકભાઈ જયંતીલાલ ભારતીય અવાર નવાર વોટ્સએપ કોલ, મિસકોલ તેમજ મેસેજ કરી પ્રકાશભાઈના પુત્ર અર્જુનને માર મારી ત્રાસ આપતો હોવાની સાથે જ પ્રકાશભાઈને પણ અમદાવાદના ગુલબાઈ ટેકરા ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પ્રકાશભાઈ ડાંગરે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.