મોરબી : મોરબીના પાંચ ભાગીદારોએ રાજકોટના દંપતિને વિશ્વાસમાં લઈને પીપળી ગામે ભાગીદારીમાં ઇલેક્ટ્રિક કેબલ વાયર બનાવવાની ફેકટરી નાખ્યા બાદ દગો દીધો હતો અને મોરબીના આ પાંચ ભાગીદારોએ ફેકટરીના હિસાબમાં ભારે ગોટાળા કરી રાજકોટના ભાગીદાર દંપતીને રૂ.81,40 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જો કે ભાગીદારીમાં થયેલી ઠગાઈની બે વર્ષ પહેલાં પોલીસમાં અરજી થયા બાદ હવે છેક મોરબી તાલુકા પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર બાલાજી હોલ પાસે ઉપાસના પાર્કમાં રહેતા હેમેન્દ્રભાઈ હરિલાલ શીલુએ મોરબીના હિતેશભાઈ નથુભાઈ કૈલા, સુમિતાબેન હિતેશભાઈ કૈલા, રવિ કાંતિલાલ ડઢાણીયા રહે.ઉમા ટાઉનશીપ મોરબી, અશ્વિન નથુભાઇ કૈલા અને રજની અરજણભાઈ હેરણીયા રહે.નિકુંજ પાર્ક, રવાપર રોડ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી હેમેન્દ્રભાઈ અગાઉ ઇલેક્ટ્રિક કેબલ બનાવતી કંપનીના નોકરી કરતા હોય અને અવાર નવાર મોરબી આવતા હોય જેથી આરોપી હિતેશ નથુભાઈ કૈલા સાથે પરિચયમાં આવતા હિતેશ કૈલાએ હેમન્દ્રભાઈને નોકરી કરવાને બદલે કેબલની ફેકટરી શરૂ કરી વધુ કમાણી કરવા કહેતા ફરિયાદીએ આરોપી સાથે મળી અન્ય ભાગીદારો સાથે એચ.આર.કેબલના નામે ભાગીદારીમાં પીપળી ખાતે ફેકટરી શરૂ કરી હતી.
ફરિયાદી હેમેન્દ્રભાઈ અને તેમના પત્ની ગીતાબેનની જાણ બહાર હિતેશ કૈલા સહિતના તમામ આરોપી ભાગીદારોએ ફેકટરીના હિસાબમાં ગોટાળા કરી હિસાબમાં ખોટી એન્ટ્રીઓ કરી વ્યાજે પૈસા લીધા ન હોવા છતાં વ્યાજની એન્ટ્રી દર્શાવવાની સાથે ફેક્ટરીમાંથી રૂપિયા 40 લાખનો કેબલ તેમજ પ્લાસ્ટિકના દાણા બળજબરીથી લઈ જઈ રૂપિયા 81,40,985ના ખોટા હિસાબો દર્શાવી ભાગીદારીની મિલકતનો અપ્રમાણિક ગેર ઉપયોગ કરી ઠગાઈ કરતા તમામ પાંચ ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.આ બનાવ અંગે ફરિયાદીએ હાઇકોર્ટમાં પણ કેસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
