કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે પરેશાન અનેક સોસાયટીના લોકો રસ્તા ઉપર ઉતર્યા, ખાડાને સફેદ ચાદર ઓઢાડીને વિરોધ પ્રદર્શન કર્યું
મોરબી : મોરબીમાં ખાડાના કારણે પરેશાન થયેલા લોકોમાં હવે રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે. કન્યા છાત્રાલય રોડ ઉપર ખાડાના કારણે ઘણા સમયથી હાલાકી વેઠી રહેલા અનેક સોસાયટીના લોકોએ આજે મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરીને ચક્કાજામ કરી તંત્રની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. આ ચક્કાજામથી લાંબો ટ્રાફિકજામ થયો છે.આથી પોલીસ કાફલાએ દોડી જઈને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.પણ લોકોએ જ્યાં સુધી કમિશનર અને ધારાસભ્ય ન આવે ત્યાં સુધી નહીં હટાવાનો નિર્ણય જાહેર કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કન્યા છાત્રાલય રોડની હાલત ચોમાસામાં બિસ્માર થઈ ગઈ છે. જેને કારણે અહીંથી દરરોજ પસાર થતા સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં શ્રી કુંજ- 1, શ્રી કુંજ – 2, અવધ -1, અવધ – 4 , સરદાર, ધર્મ વિજય સહિતની સોસાયટી આવેલ છે. આ સોસાયટીના રહીશોનો રોષ આજે ફાટી નીકળતા મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરી પ્રથમ નાની કેનાલથી આગળ ચોકડીએ ભેગા થઈ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. બાદમાં શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યું છે. આ સાથે તેઓએ રોડ ઉપરના ખાડાઓને સફેદ ચાદર ઓઢાડી વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
આ મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે મોરબીમાં ખાડા નથી. આખું મોરબી જ ખાડામાં છે. નેતાઓ મત માંગવા તો આવે છે પણ આ સમસ્યા તેઓને દેખાતી નથી. ધારાસભ્ય ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો આ રોડના પ્રશ્નનું નિરાકરણ ન કરવું હોય તો કોઈ નેતાએ હવે આ વિસ્તારમાં આવવુ જ નહીં. આ સાથે સ્થાનિકોએ ખાડા બુરો, રોડ બનાવોના આક્રોશભેર નારા પણ લગાવ્યા હતા.




