મોરબી : મોરબીમાં ઔદ્યોગિક એકમો વધુ હોય એની સામે વૃક્ષોની સંખ્યા ઘટતી હોવાથી ગ્લોબલ વોર્મિગનો ખતરો તોળાઈ રહ્યો છે.ત્યારે મોરબીની વિજય ટોકીઝ સામે નવા બની રહેલા રોડની બન્ને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવે તેવી માંગ સાથે મયુર નેચર ક્લબના સભ્ય અને પર્યાવરણ પ્રેમી જીતેન્દ્ર ઠક્કર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.
મોરબી શહેરના વિકાસ સમા વિજય ટોકીઝ રોડ ઉપર નવો રોડ બનાવવામાં આવી રહેલ છે. જે મોરબીના વિકાસનું પ્રતિબીંબ પાડે છે. હાલ પર્યાવરણ સુરક્ષા તરફના દુર્લક્ષની દુરોગામી અસરો તથા વૃક્ષો છેદનને લીધે આપણે સૌ અતિ ભારે ગરમીનો સામનો કરી રહેલ છીએ. હાલમાં, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલમાં “એક પેડ માઁ કે નામ” અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે. જેથી નવા બનતા વિજય ટોકીઝ વાળા નવા રોડની બંને સાઈડમાં ટ્રાફીક તથા દુકાનદારો અને રહેવાસીઓને અડચણરૂપ ન થાય તે રીતે પર્યાવરણની રક્ષા કાજે, યોગ્ય આયોજન મુજબ નાના-નાના વૃક્ષો વાવવા તથા ઉછેરવામાં આવે તેવી માંગ છે. તે ઉપરાંત ઉછેરવામાં આવેલ વૃક્ષોને ભવિષ્યમાં એ કોઈપણ બહાના હેઠળ વિઘ્નસંતોષીઓ દૂર ન કરે તેવું આયોજન અને અમલીકરણ કરાવવામાં આવે તેવી માંગ છે.
