ચમત્કાર વિના નમસ્કાર નહિ કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલતને કારણે મોટી સંખ્યામાં લોકોએ ચક્કાજામ કરતા મનપાએ ખાડા બુરવાનું કામ શરૂ કર્યું
મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડની બિસ્માર હાલતને કારણે સ્થાનિકોએ શરૂ કરેલો ચક્કાજામ અંદાજે ત્રણ કલાક બાદ હટાવવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનરે ત્યાં આવી રોડની હાલત રૂબરૂ જોયા બાદ ખાડા બુરવાનું કામ શરૂ કરાવતા મામલો થાળે પડ્યો છે.
મોરબીના કન્યા છાત્રાલય રોડ અને આજુબાજુની સોસાયટીની અતિ બિસ્માર હાલતને કારણે રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે સાંજે 5 કલાકે શનાળા રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. મામલો થાળે પાડવા ડેપ્યુટી કમિશનર સંજય સોની શનાળા રોડ ઉપર પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ કન્યા છાત્રાલય રોડ ઉપર સ્થાનિકો સાથે રૂબરૂ રોડની હાલત જોવા ગયા હતા. ત્યારબાદ તેઓએ તુરંત ખાડા બુરવાનું કામ શરૂ કરાવતા સ્થાનિકોએ ચક્કાજામ હટાવી દીધો છે. હાલ ટ્રાફિક ક્લિયર કરાવવા પોલીસની ટિમો કામે લાગી છે.
