મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
મોરબી : તારીખ 6 જુલાઈના રોજ નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા ખાતે વકીલને પોલીસ દ્વારા કોર્ટ બિલ્ડિંગમાં જતાં રોકવામાં આવ્યા હતા અને વકીલ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ મામલે આજ રોજ 9 જુલાઈએ મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા જવાબદાર પોલીસ અધિકારી સામે યોગ્ય પગલાં લેવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લા બાર એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે, વકીલ કાયદાની ભાષામાં એડ્વોકેટ એક્ટ મુજબ ઓફિસર ઓફ ધ કોર્ટ છે. ઓફિસર ઓફ ધ કર્ટને કોર્ટમાં પ્રવેશતા રોકવા એ બંધારણીય હક્કો પર તરાપ મારી ગણાય. ડેડીયાપાડામાં પોલીસ દ્વારા વકીલ સાથે કરેલું બેહુદુ વર્તન જરા પણ ચલાવી શકાય તેમ નથી. પોલીસ દ્વારા બંધારણના અનુચ્છેદ-19નું સરેઆમ ઉલ્લંઘન કરાયું છે. અને એડ્વોકેટ એક્ટ 1961ની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરાયું છે. ભવિષ્યમાં પોલીસ કોઈ વકીલ સાથે આવું વર્તન ન કરે તે માટે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જેથી મોરબી બાર એસોસિએશન પોલીસ અધિકારીના આવા ગેરકાયદેસરના વર્તનને સાંખી લેતું નથી અને આ કૃત્ય કરનાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ ગુજરાત સરકારને કરાઈ છે.
