પાટણ રહેતા પતિએ પત્ની બાળકોને મોરબી રહેવા મોકલી ઘરખર્ચ પણ ન આપતો હોય પરિણીતાએ કોર્ટમાં દાવો માંડ્યો
મોરબી : મોરબી શહેરના નવલખી રોડ ઉપર હરિપાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં ચોરી થતા પતિએ પોતાની પત્ની ઉપર જ શંકા કરી ઢીકા પાટુનો માર મારી એસિડ એટેક કરવાની ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ હરિપાર્ક સોસાયટીના રહેતા મૂળ પાટણ જિલ્લાના હારિજ તાલુકાના ગણેશપુરા ગામના વતની જાગૃતિબેન જલાજીભાઈ ઠાકોર ઉ.35 નામના મહિલાએ તેણીના પતિ જલાજીભાઈ કાનજીભાઈ ઠાકોર વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.5ના રોજ તેઓ તેમના માતાના ઘેર વીસીપરા યોગીનગરમાં હતા ત્યારે તેમના પતિ જલાજીભાઈએ ઘરમાં ચોરી થઈ છે કેમ ધ્યાન આપતી નથી તેમ કહી ઘેર લઈ જઈ તે જ દાગીનાની ચોરી કરી છે તેવી શંકા રાખી ઢીકા પાટુનો માર મારી ગાળો આપતા જાગૃતિબેનને લાગી આવતા એસિડ પી લીધું હતું.
જાગૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પતિએ તેણીને બાળકો સાથે મોરબી રહેવા મોકલી આપી ઘર ખર્ચના પૈસા પણ આપતો ન હોય કોર્ટમાં ભરણ પોષણનો દાવો માંડ્યો છે. બીજી તરફ આરોપી પતિએ પરિણીતા સ્કૂટર લઈને બહાર નીકળે એટલે એસિડ એટેક કરવાની પણ ધમકી આપી હોય બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.