લાતીપ્લોટમાં વરસાદી પાણીનો ભરાવો સહિતની વર્ષોની સમસ્યાઓનો ઉકેલ ન આવતા વેપારીઓ વિફર્યા, બન્ને ડે.કમિશનરે દોડી જઈને વેપારીઓને સમજાવવાના પ્રયાસો કર્યા
મોરબી : મોરબીની આર્થિક કરોડરજ્જુ સમાન લાતીપ્લોટમાં વર્ષોથી વરસાદી પાણીનો ભરાવો સહિતની સમસ્યાઓનો ઉકેલ ન આવતા આજે લઘુ ઉધોગકારો અને વેપારીઓની સહન શક્તિનો અંત આવી ગયો હતો અને વરસાદી પાણીનો ભરાવો સહિતની સમસ્યાના ઉકેલ માટે વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને શનાળા રોડ ઉપર ચક્કાજામ કરતા ભારે ટ્રાફિકજામ થયો હતો.તેથી મહાનગરપાલિકાના બન્ને ડેપ્યુટી કમિશનરો સ્થળ ઉપર વેપારીઓને સમજાવવા પહોંચ્યા છે. જો કે વેપારીઓએ બન્ને અધિકારીઓને લાતીપ્લોટમાં રૂબરૂ આવી દુર્દશા જોવાની માંગ કરી છે.
લાતી પ્લોટની બદતર હાલતને કારણે રોષે ભરાયેલા વેપારીઓએ આજે સવારે 11 વાગ્યાથી શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો છે. વેપારીઓ મક્કમતાથી રોડ બ્લોક કરીને બેઠા છે. તેવામાં મામલો થાળે પાડવા મહાપાલિકાના બે ડેપ્યુટી કમિશનરો સંજય સોની અને કુલદીપસિંહ વાળા ચક્કાજામ સ્થળે પહોંચ્યા છે. તેઓ વેપારીઓને સમજાવી રહયા છે. પરંતુ વેપારીઓ એવી માંગ કરી રહ્યા છે કે તમે લાતી પ્લોટમાં ચાલીને આવો અને દુર્દશા રૂબરૂ જોવો અને અત્યારે જ કામ શરૂ કરવો. હાલના તબબકે બન્ને અધિકારીઓ વેપારીઓને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


