મોરબી : સિરામિક નગરી મોરબી જિલ્લામાં દેશી – વિદેશી દારૂનું દુષણ ભયંકર હદે વધ્યું છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થાનિક તેમજ પરપ્રાંતીય શ્રમિકો મોટા પ્રમાણમાં દારૂના બંધાણી હોય જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે.જો કે, પોલીસ દેશી દારૂની બદી ડામવા સમયાંતરે ઝુંબેશરૂપે કામગીરી કરી રહી છે જે અન્વયે ગઈકાલે પણ પોલીસે ધોસ બોલાવી 69 દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
મોરબી શહેર અને જિલ્લામાં ગઈકાલે તમામ પોલીસ મથકની ટીમોએ દારૂનો નશો કરનાર, દેશી દારૂ બનાવનાર તેમજ વેચનાર ઉપરાંત વિદેશી દારૂ વેચનાર વિરુદ્ધ ઝુંબેશરૂપે કામગીરી કરી કુલ 69 કેસ કરી હજારો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂના ધંધાર્થી વિરુદ્ધ કાર્યવાહીમાં મોરબી તાલુકા પોલીસે 23 કેસ, એ ડિવિઝન પોલીસે 11 કેસ, બી ડિવિઝન પોલીસે 10 કેસ, માળીયા મિયાણા પોલીસે દસ કેસ, વાંકાનેર તાલુકા પોલીસે 9 કેસ, હળવદ પોલીસે 5 કેસ તેમજ વાંકાનેર સીટી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ એક કેસ કર્યો હતો.