પુરપાટ ઝડપે આવેલા થાર ચાલકે ભેંસોના ધણને ઠોકરે ચડાવ્યું
મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક પુરપાટ ઝડપે ધસી આવેલા થાર ગાડીના ચાલકે ભેંસના ટોળાને હડફેટે લેતા પાંચ ભેંસ ઝપટે ચડી ગઈ હતી.જે પૈકી ત્રણ ભેંસના મૃત્યુ નિપજવાની સાથે બે ભેંસને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ વિચિત્ર અકસ્માતની ઘટના અંગે થાર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી – હળવદ હાઇવે ઉપર ઉંચી માંડલ નજીક નેકસોન સિરામિક કારખાના સામે ભેંસને ચરાવવા નીકળેલા ફરિયાદી લખમણભાઈ બુટાભાઈ કાટોડીયા રહે.ઉંચી માંડલ વાળા પોતાની ભેંસ લઈ હાઇવે ઉપર પસાર થતા હતા ત્યારે ગત તા.7ના રોજ જીજે – 36 – એજે – 8226 નંબરના થાર ગાડીના ચાલક દાનભાઈ રાતડીયા રહે.વાંકડા વાળાએ પુરપાટ ઝડપે પોતાની થાર ચલાવી પાંચ ભેંસને હડફેટે લેતા ત્રણ ભેંસના મૃત્યુ નિપજતા રૂપિયા 1.50 લાખનું નુકશાન કરી અન્ય બે ભેંસને ગંભીર ઇજા પહોંચાડતા આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.