રોડ રસ્તા, ગટર અને સફાઈ સહિતના પ્રશ્નો ઉકેલવા તંત્ર મક્કમ, ત્રણ-ચાર દિવસમાં મુખ્ય રોડ પર ખાડા નહિ જોવા મળે તેવું આયોજન
મોરબી : મોરબીમાં રોડ રસ્તા સહિતના પ્રશ્ને પ્રજાએ મક્કમ અવાજ ઉઠાવતા નેતાઓ દોડતા થયા હતા અને મોરબી મહાનગરપાલિકાની ટીમ જે સતત કામગીરી કરી રહી છે તેની કામગીરીની ઝડપમાં પણ સારો એવો વધારો જોવા મળી રહ્યો છે મ્યુનીસીપલ કમિશ્નર જાતે મોડી રાત્રે અને વહેલી સવારે વિસ્તારોની વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરતા જોવા મળી રહ્યા છે
મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેએ ગત રાત્રીના મોરબીના યદુનંદન ગેટથી સબ જેલ ડામર પેચવર્ક, શનાળા રોડ સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કામગીરી, લાતીપ્લોટ શેરી નં ૭ અને અંદરની શેરીમાં રોડ કામગીરી, પંચાસર મેઈન રોડ સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ કામ અને શનાળા રોડ સુપર માર્કેટ સ્વીપીંગનું કામની જાતે મુલાકાત લઈને સમીક્ષા કરી હતી
તેમજ આજે વહેલી સવારથી વાવડી આઇકોનિક રોડ પેવર બ્લોક, જેલ રોડ પેચ વર્ક કામગીરી, લોહાણા પરા ડ્રેનેજ વર્ક અને લોહાણાપરામાં સફાઈ સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી કમિશ્નરે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ સહિતની કામગીરી ચાલી રહી છે અને મુખ્ય રોડમાં આગામી ૩-૪ દિવસમાં ચાલવામાં તકલીફ ના રહે તેવું આયોજન છે બાદમાં આંતરિક રસ્તાઓનું આયોજન કરવામાં આવશે.