ગાંધીનગરમાં રજૂઆત બાદ તમામ કેસ પરત ખેંચવાની ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આપી બાહેંધરી
ગાંધીનગર : આજે 15 જુલાઈના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે કરણી સેના તેમજ રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ એકત્રિત થઈ હતી અને પદ્માવત ફિલ્મ સમયે રાજપૂત સમાજના યુવાનો સામે પર જે કલમ 307 લગાડવામાં આવી હતી તે સહિતના તમામ કેસ પરત ખેંચવા કાયદા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિરભદ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કરણીસેના ગુજરાત રાજ્યના તમામ જિલ્લા પ્રમુખો, આગેવાનો ગાંધીનગર સચિવાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કરણી સેના, મહાકાલ સેના તેમજ રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપીને રાજપૂત સમાજના યુવાનો પર થયેલા તમામ કેસ રાજ્ય સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. જેના જવાબમાં હર્ષભાઈ સંઘવી દ્વારા કેસ પરત ખેંચી લેવાની બાહેંધરી આપવામાં આવી હતી.


