મોરબી : મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવાની માંગ સાથે ગુજરાત પ્રદેશ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, હાલમાં સરકાર દ્વારા પ્રાઇવેટ કોલેજોની આડેધડ મંજૂરીઓ આપવામાં આવતા અને સરકાર તરફથી મોરબીની એલઈ કોલેજ પ્રત્યે બેધ્યાનપણું દાખવવાના કારણે હાલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. એડમિશન વખતે વિદ્યાર્થિનીઓને જણાવવામાં આવે છે કે ગર્લ્સ હોસ્ટેલની સુવિધા આપવામાં આવશે નહીં તેથી ઘણી વિદ્યાર્થિનીઓ એડમિશન લેતી નથી અને જે એડમિશન લે છે તેમને બહાર રહેવાની ફરજ પડે છે. તેથી એલઈ કોલેજ કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માગ કરાઈ છે.
