ક્યાં વોર્ડમાં ક્યાં વિસ્તારો હશે તે હવે જાહેર કરાશે : આગામી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં ચૂંટણી આવે તેવી સંભાવના
મોરબી : પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકાને ૧૩ વોર્ડમાં વહેંચવાની અને ૫૨ કોર્પોરેટરની બેઠકો રાખવાનું જાહેરનામુ પ્રસિદ્ધ કરતાં હવે વોર્ડ રચનાની કામગીરી હાથ ધરાશે. વધુમાં આગામી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં મહાપાલિકાની ચૂંટણી આવે તેવી પણ શકયતા જોવા મળી રહી છે.
મોરબી નગરપાલિકા વિસ્તારમાં આસપાસના ગામોનો સમાવેશ કરીને મોરબી મહાનગરપાલિકાની રચના ગત ૧ જાન્યુઆરીથી રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી. મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે કલેક્ટરની નિમણૂક કરાઈ હતી. મનપામાં વિસ્તાર વધવાની સાથે વિવિધ નવા વિભાગો પણ ઉમેરાયા છે ત્યારે સરકાર દ્વારા કમિશનર, ડે.કમિશનર્સ સહિત કેટલાક અધિકારીઓની નિમણૂક કરાઈ હતી. તો કેટલાક અધિકારીઓને ચાર્જ સોંપાયો હતો. સરકાર દ્વારા શહેરના જૂના અને નવા વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વિકસાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે.
જો કે, આગામી સમયમાં મોરબી કોર્પોરેશનના કોર્પોરેટરોની ચૂંટણી કરવાની થાય છે ત્યારે સરકાર દ્વારા શહેરના કેટલા વોર્ડ, કોર્પોરેટરોની કેટલી બેઠકો અને કઈ કેટેગરી માટે કેટલી બેઠકો અનામત જાહેર કરવી તે અંગેની કવાયત ચાલી રહી હતી. લાંબી કવાયતના અંતે સરકારે વોર્ડની સંખ્યા અને કોર્પોરેટરોની સંખ્યા નક્કી કરીને તે અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જે મુજબ મોરબી મહાનગરપાલિકા વિસ્તારને ૧૩ વોર્ડમાં વહેંચવામાં આવશે તેમજ કોર્પોરેશનમાં ૫૨ કોર્પોરેટર રહેશે. ક્યાં વોર્ડમાં ક્યાં વિસ્તારો આવશે તે હવે જાહેર કરવામાં આવશે.