અંદાજે 10થી 15 મિનિટના ચક્કાજામ બાદ સરપંચે મામલો થાળે પાડ્યો : રસ્તામાં મેટલ પાથરવાનું કામ શરૂ કર્યું
મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે લોકો જન આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. પીપળી ગામના સ્થાનિકોએ પાયાના પ્રશ્નોને લઈને આજે સાંજે ચક્કાજામ કર્યું હતું. જો કે તુરંત કામ શરૂ કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખના વિસ્તાર એવા પીપળી ગામની મારૂતિ પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી સમસ્યાઓ છે. જેનો કોઈ ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં અઠવાડિયામાં એક વાર પાણી આવે છે. તેમાં પણ ગટરનું પાણી આવે છે. આ સાથે ઠેક ઠેકાણે ગારા-કીચડ છે. વરસાદનું પાણી ભરાઈ છે. ગટરની સમસ્યા છે. રોડ-રસ્તાનો પ્રશ્ન છે.
આ સમસ્યાઓને લઈ સ્થાનિકોએ આજે સાંજે બેલા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. જો કે અંદાજે 10થી 15 મિનિટ જ આ ચક્કાજામ ચાલ્યો હતો. આ વેળાએ સરપંચે મેટલ કામ શરૂ કરાવી દીધું હતું. ઉપરાંત પાણીની સમસ્યા પણ દૂર કરવા પગલાં લેવાનું કહ્યું હતું. તેમ સ્થાનિકોએ જણાવ્યું છે.
