મોરબી : 16 જુલાઈ, 2025 – કન્ટેનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (CONCOR) દ્વારા મોરબી જિલ્લાના રફાળેશ્વર વિસ્તારમાં સ્થાપિત થયેલ નવું ગતિ-શક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) હવે સંપૂર્ણપણે કાર્યરત થવા તૈયાર છે. CONCORના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય સ્વરૂપે મોરબીના મુખ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે આ અંગે ચર્ચા કરી.આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન સ્વરૂપે જણાવ્યું કે, રફાળેશ્વર ખાતે નવું ફ્લેગશિપ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ ટર્મિનલ મોરબીના ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગ માટે પરિવહન ખર્ચ ઘટાડવા અને સમયબચત માટે મજબૂત વિકલ્પરૂપ સાબિત થશે.
મોરબી દેશના 90% સિરામિક ઉત્પાદનમાં યોગદાન આપે છે અને વૈશ્વિક સ્તરે બીજા ક્રમનો નિકાસકાર છે. આવી સ્થિતિમાં રફાળેશ્વર ટર્મિનલ, ખાસ કરીને ટાઇલ્સ અને સંલગ્ન ઉદ્યોગોને લોજીસ્ટીક્સ સંબંધી સેવાઓ આપશે. આ ટર્મિનલથી માલના રેલ મારફત પરિવહન દ્વારા કુલ ખર્ચ , અસરકારક અને ગ્રીન ટ્રાન્સપોર્ટ મોડનો ઉપયોગ શક્ય બનશે.
તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે CONCOR, ભારત સરકારના એક સાહસ તરીકે, પારદર્શિતા અને ગ્રાહક-કેન્દ્રિત વ્યાપારી અભિગમ સાથે કાર્ય કરે છે. ભારતભરમાં 68 ટર્મિનલ, 55,000 થી વધુ સ્થાનિક કન્ટેનર, 400+ રેક અને LNG ટ્રેઇલર્સના મજબૂત નેટવર્ક સાથે, CONCOR પ્રદેશના ઔદ્યોગિક વિકાસને ટેકો આપવાનો હેતુ ધરાવે છે. આ સંસ્થા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભારત વિઝન સાથે 2027 સુધીમાં 100 ટર્મિનલની સ્થાપનાનું લક્ષ્ય રાખે છે.
આ કાર્યક્રમમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (MCMA), કસ્ટમ બ્રોકર્સ, શિપિંગ લાઈન્સ અને ફ્રેઇટ ફોરવર્ડર્સ સહિત અનેક ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. MCMAના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ હરીશ બોપલિયા CAPEXIL ના નિલેશ જેતપરિયાએ ટર્મિનલ માટે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, મોરબી, ઇટાલી કરતા શ્રેષ્ઠ અને ચીન કરતા સસ્તા ઉત્પાદનો પૂરાં પાડવા સક્ષમ છે. CONCORના એરિયા-II ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રવિ ચતુર્વેદીએ મોરબીની ઔદ્યોગિક મહત્ત્વતાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે ટર્મિનલની ભુમિકા વિશે ચર્ચા કરી. તેમણે GCT-રાફલેશ્વરને PAN-India નેટવર્ક સાથે જોડવા તથા એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ સુવિધાઓ માટે CONCORની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી.
GCT-રફાળેશ્વર ટર્મિનલ 1 ઓગસ્ટ, 2025 ના રોજ અથવા તે પહેલાં કામગીરી શરૂ કરવાનું આયોજન છે, જે મોરબી ઔદ્યોગિક ક્લસ્ટર માટે તૈયાર કરાયેલી લોજિસ્ટિક્સ સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે.
કાર્યક્રમના અંતે અમદાવાદ ક્લસ્ટરના ચીફ જનરલ મેનેજર અભિલાષ વી એ આભાર માનતા સત્રનું સમાપન કર્યું અને ઉદ્યોગોને મોરબીના ઉદ્યોગોના વિકાસ માટે ખાસ વિકસાવવામાં આવેલી નવી સુવિધાનો સક્રિય ઉપયોગ કરવા અપીલ કરી. તેમણે જણાવ્યું કે આ ટર્મિનલ મોરબીના ઉદ્યોગોના વિકાસ માટે game-changer સાબિત થશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે GCT રફાળેશ્વર ટર્મિનલનું સંચાલન રિતેશ માલવિયા કરશે, જેમનો કોઈ પણ માહિતી, સેવાઓ, સંચાલન બાબતો વગેરે અંગે કોઈપણ પૂછપરછ માટે તેમના મોબાઇલ-97550 99684 પર સંપર્ક કરી શકાશે.

