યુવાનની તબિયત લથડતા માતા – પિતા સાથે દવાખાને જતી વખતે બનેલી ઘટનાથી અરેરાટી
મોરબી : મોરબી તાલુકાના લાલપર ગામે રહેતા શ્રમિક પરિવારના યુવાનની તબિયત ખરાબ થતા રાત્રીના સમયે દવા લેવા માટે જતા સમયે અજાણ્યા વાહને યુવાનને ઠોકરે લેતા ગંભીર ઇજાઓ થતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકા લાલપર ગામે તાજ નળિયાના કારખાનામાં રહેતા મૂળ જામકંડોરણાના સાતુદળ ગામના રહેવાસી માવજીભાઈ જીવાભાઈ વેગડાએ તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ રાત્રીના સમયે તેમના પુત્ર વિજય ઉ.28ની તબિયત બગડતા પતિ – પત્ની વિજયને લઈ દવાખાને જવા નીકળ્યા હતા. આ સમયે વિજય આગળ જતો રહ્યો હોય તેને શોધવા જતા અજાણ્યા વાહને ઠોકર મારતા બેભાન હાલતમાં રોડ ઉપર મળી આવતા સિવિલ હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.