હેઠવાસના ગામો માટે ચેતવણી સંદેશ જાહેર
મોરબી : મેઘરાજા સતત મન મૂકીને વરસી રહ્યા છે તેના કારણે અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે. સાથે જ એક પછી એક ડેમ છલકી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકાનાં ઝીકયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે. જેને લઈને ગતરાત્રે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે. તેમજ હેઠવાસના ગામો માટે ચેતવણી સંદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ઘોડાધ્રોઈ ડેમ છલોછલ ભરાઈ જતા હેઠવાસમાં આવતા ગામનાં લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા અને માલ મીલકત માલઢોરને સલામત સ્થળે ખસેડી લેવા સુચનાં આપવામાં આવી છે. જેમાં મોરબી તાલુકાના ચકમપર, ઝીકીયારી, જીવાપર, જેતપર (મચ્છુ), રાપર, શાપર, જસવંતગઢ તેમજ માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી ગામોને સાવચેત કરવામાં આવ્યા છે.
ઘોડાધ્રોઈ ડેમના સેક્શન ઓફિસર દ્વારા આ ચેતવણી સંદેશ જાહેર કરી તમામ સંબંધિત અધિકારીઓને માહિતી આપવામાં આવી છે તેમજ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
