મોરબી : મોરબી પાટીદાર સમાજની દીકરીને જૂનાગઢ રહેતા પતિ સહિતના સાસરિયાઓ કરિયાવર બાબતે મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી હાલમાં માતાપિતાના ઘેર રહેતી દીકરીએ જૂનાગઢ રહેતા પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
હાલમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ગોલ્ડન માર્કેટ પાછળ પિતાના ઘેર રહેતા ફાલ્ગુનીબેન અલ્પેશભાઈ કૈલા ઉ.43 નામના પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, વર્ષ 2008મા જ્ઞાતિના રીત રિવાજ મુજબ તેમના લગ્ન જૂનાગઢના ચોબારી રોડ ઉપર રહેતા આરોપી પતિ અલ્પેશ જેરાજભાઈ કૈલા સાથે લગ્ન થયા હતા.લગ્નજીવન દરમિયાન તેમને બે પુત્રીઓનો જન્મ થયો હોય સાસરિયા દ્વારા ઘરકામ તેમજ કરિયાવર ઓછો લાવી હોવાનું કહી મેણા ટોણા મારવામાં આવતા હતા અને પતિ અલ્પેશની સાસુ સવિતાબેન અને સસરા જેરાજભાઈ ગોવિંદભાઇ કૈલા ચડામણી કરતા હોવાથી પતિ મારકુટ કરી ત્રાસ આપતો હોવાથી તેઓ મોરબી પિતાના ઘેર રિસામણે આવ્યાનું ફરિયાદના જાહેર કર્યું હતું. અગાઉ પણ આરોપી સાસરિયાઓ ત્રાસ આપતા હોય ફાલ્ગુનીબેન રિસામણે આવ્યા હતા પરંતુ સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવતા સાસરે જતા રહ્યા હતા. હાલમાં ફાલ્ગુનીબેન પોતાની બન્ને પુત્રીઓ સાથે મોરબી રહેતા હોય જૂનાગઢ રહેતા પતિ અને સાસુ સસરા વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.