જો 8 દિવસમાં કોઈ સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો ગામ લોકોને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવાની ચીમકી
મોરબી : મોરબી જિલ્લાના નવલખી હાઈવે પર નશાકારક પદાર્થોનું સેવન કરીને બેફામ રીતે ઓવરલોડ વાહનો ચલાવતા ટ્રક ડ્રાઈવરો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા RTOને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆત મુજબ, નવલખી હાઈવે પરથી પસાર થતા કેટલાક ઓવરલોડ વાહનોમાંથી કાંકરી, પથ્થર, રેતી અને કોલસો જેવો સામાન રસ્તા પર પડે છે. આના કારણે નાના વાહનો પર આવા પદાર્થો પડવાથી ગંભીર અકસ્માતો થવાનું જોખમ રહેલું છે. વધુમાં, નશાની હાલતમાં વાહન ચલાવતા ડ્રાઈવરોને કારણે ભૂતકાળમાં પણ અનેક ગંભીર અકસ્માતો થયા છે, જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ કેટલાક ડ્રાઈવરો પાસે લાયસન્સ પણ નથી હોતા.
રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો આ મામલે તાત્કાલિક કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે અને કોઈ અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી RTO કચેરીની રહેશે. વધુમાં, જો 8 દિવસમાં કોઈ સંતોષકારક કાર્યવાહી નહીં થાય તો ગામ લોકોને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જેનાથી ઉદ્દભવતા પરિણામોની જવાબદારી પણ RTO કચેરીની રહેશે.