ગરબા ક્લાસિસનું રજિસ્ટર કરવા, ભાઈઓ- બહેનો માટે અલગ ગ્રુપ અને અલગ સમય રાખવા, પોલીસ પેટ્રોલિંગ કરવા સહિતની માંગ
મોરબી : આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલા ગરબા ક્લાસિસમાં બહેનો અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી દ્વારા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ તમામ ગરબા ક્લાસિસની મંજૂરી લેવામાં આવે અને તેમનું રજીસ્ટર બનાવવામાં આવે. આ રજીસ્ટરમાં ગરબા શીખવા આવતા તમામ ભાઈઓ અને બહેનોની સંપૂર્ણ માહિતી નોંધવામાં આવે જેથી કરીને કોણ કોણ ગરબા શીખવા આવે છે તેની સ્પષ્ટ જાણકારી રહે. તેમજ ગરબા ક્લાસિસમાં ભાઈઓ અને બહેનોના સમય અલગ રાખવાની અથવા તેમને અલગ અલગ ગ્રુપ બનાવીને શીખવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગરબા ક્લાસિસની આડમાં કોઈ રોમિયો કે લુખ્ખા તત્વો દ્વારા બહેન-દીકરીઓને હેરાનગતિ ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવાનો છે. વધુમાં, પાટીદાર યુવા સેવા સંઘે એવી પણ માંગ કરી છે કે આવા ગરબા ક્લાસિસમાં મહિલા પોલીસ સિવિલ ડ્રેસમાં મુલાકાત લે અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે. સંઘે જણાવ્યું છે કે, ગરબા ક્લાસિસની આડમાં અનેક પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ થતી હોવાના સમાચારો અવારનવાર જાણવા મળે છે. આથી, સંઘે પોલીસ અધિક્ષકને આ બાબતને ગંભીરતાથી લઈ તેમની માંગણીઓ સ્વીકારવા વિનંતી કરી છે.