હળવદ : હળવદ પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામા ચરાડવા ગામની સીમમાં વાડીમાં ધમધમતી જુગાર કલબ ઝડપી લઈ ચાર આરોપીઓને દબોચી લીધા હતા.જ્યારે રણમલપુર ગામે જાહેરમાં ચાલતા જુગાર ઉપર ત્રાટકી પોલીસે સાત શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ 92 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પ્રથમ દરોડામાં હળવદ પોલીસને બાતમી મળી હતી કે, ચરાડવા ગામની સીમમાં સમલી રોડ ઊપર ગારી નામની સીમમાં આરોપી વિજયભાઈ છગનભાઇ માકાસણા બહારથી માણસો બોલાવી પોતાની વાડીમાં જુગારધામ ચલાવે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા આરોપીના કબજા ભોગવટા વાળી વાડીમાં જુગાર રમી રહેલ આરોપી વિજયભાઈ છગનભાઇ માકાસણા, રવજીભાઈ રણછોડભાઈ સોનાગ્રા, ધર્મેશભાઈ નારણભાઇ સોનાગ્રા અને જયુભા રાણાભા મારું નામના આરોપીઓ તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 67,370 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રણમલપુર ગામે રાત્રીના જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી પ્રભુભાઇ ભગવાનભાઇ વિરાણી વિજયભાઇ ચંદુભાઇ વેકરીયા, સુરેશભાઇ રણછોડભાઇ કુડેચા, ગણપતભાઇ પ્રભુભાઇ નગવાડીયા, વિપુલભાઇ ત્રિભોવનભાઇ પારેજીયા, નાગરભાઇ જાદુભાઇ વિરાણી, દેવકરણભાઇ મનજીભાઇ વરમોરાને રોકડા રૂપિયા 25,350 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.