મોરબી : મોરબીના ઘુંટુ ગામે સિલ્વર પાર્કમાં ગઈકાલે બપોરના સમયે એક યુવાનને તેમજ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે આધેડને છાતીમાં ગભરામણ બાદ હાર્ટ એટેક આવી જતા બન્નેના અકાળે અવસાન થયા હતા.
પ્રથમ બનાવમાં મોરબીના ઘુટુ ગામે સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા ઉ.39 નામનો યુવાન સિલ્વર પાર્કમાં હનુમાનજી મંદિર પાસે હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવો થયા બાદ ગભરામણ થવા લાગી હતી અને હાર્ટએટેકને કારણે મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે લેટિસ જિન કેર કંપનીમાં કામ કરતા મૂળ ઓરિસ્સાના વતની પૃથ્વીરાજ કુંભાર કુમારા મણી કુંભાર ઉ.57 નામના આધેડને ગત તા.22ના રોજ રાત્રીના સમયે છાતીમાં ગભરામણ થતા કુવાડવા ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ સારવાર દરમીયા હાર્ટએટેક આવી જતા ગઈકાલે રાત્રીના મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.