વીસીપરા – વેજીટેબલ રોડને જોડતો બ્રિજ નિર્માણ કરવા 39.38 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતો વધુ એક બ્રિજ સરકારે મંજુર કર્યો છે. શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી પર શાંતિવન આશ્રમથી વેજીટેબલ રોડને જોડતા બ્રિજ માટે સરકારે રૂ.39.38 કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપી હોવાની મહાનગર પાલિકાએ જાહેર કર્યું છે.
મોરબી મહાનગર પાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના જણાવ્યા મુજબ શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી ઉપર હાલ એક બ્રીજ આવન અને એક બ્રીજ જાવન માટે આવેલ છે. જેથી સંપૂર્ણ મોરબીનો ટ્રાફીક આ બ્રીજ ઉપરથી જ પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની ખુબજ સમસ્યા સર્જાય છે. જેથી શહેરની ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે મચ્છુ નદી પર પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવા માટે ડીપીઆર બનાવી સરકારમાં મોકલવામાં આવતા ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ39.38 કરોડના ખર્ચે બ્રિજ નિર્માણ કરવાના કામને સૈધ્ધાંતિક મંજુરી આપી છે.
શાંતિવન આશ્રમથી મોરબીના વેજીટેબલ રોડને જોડતા આ નવા બ્રીજમાં અંદાજીત 16 ગાળા અને 10.50 મીટરનો કેરેઝ-વે અને બન્ને બાજુ 1.50 મીટરની ફુટપાથનો સમાવેશ થયેલ છે. આ બ્રીજ શાંતિવન આશ્રમથી શરૂ થઇ સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર પૂર્ણ થશે.
મોરબી શહેર માટે આ નવો બ્રિજ બનાવથી વીસીપરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલીના વિસ્તારના રહેવાસીઓને સામાકાંઠા વિસ્તારમાં જવા આવવા માટે નવો રસ્તો મળશે જેથી ટ્રાફીક સમસ્યા નિવારી શકાશે સાથે જ આ યોજનાથી શહેરીજનોને નવીન સુવિધાનો લાભ મળશે.
