મોરબી -વાંકાનેર : મોરબી જિલ્લામાં પોલીસે જુગારના અલગ અલગ ત્રણ દરોડામાં પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા. જેમાં વાંકાનેરના લુણસર ગામે તીનપતિ રમતા ત્રણ જુગારીઓ તેમજ મોરબી અને માળિયામાં વરલી મટકાનો જુગાર રમાડતા બે આરોપીઓને ઝડપી લઈ કપાત લેનાર એક શખ્સને ફરાર દર્શાવવામાં આવ્યો હતો.
જુગારના પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે લુણસર ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી લાલજીભાઇ કુકાભાઈ લાલુકિયા, પંકજભાઈ ખીમાભાઈ વાટુકિયા અને દિનેશભાઇ ખીમજીભાઈ ધોરીયાણીને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડાના મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મકરાણીવાસમાં મદીનાચોકમાંથી આરોપી અબ્દુલકાદરી ઓસમાણભાઈ દરજાદાને વરલીના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 520 કબ્જે કરી આંકડાની કપાત લેનાર આરોપી અસલમ ઉર્ફે સલમાન ઓસમાણભાઈ દરજાદાને ફરાર દર્શાવ્યો હતો. આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસે વાગડીયા ઝાપા પાસેથી આરોપી વલીમામદ કરીમભાઈ મોવરને જાહેરમાં વરલીના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 420 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.