બુલડોઝર, મોબ લિંચિંગ અને ભડકાઉ ભાષણો મુદ્દે સંસદમાં અવાજ ઉઠાવવા કરી રજૂઆત
મોરબી : આણંદ ખાતે “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત આયોજિત જિલ્લા અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિરમાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, તેમજ પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રૂબરૂ મળીને સંસદના વર્તમાન સત્રમાં ગેરબંધારણીય બુલડોઝર કાર્યવાહી, મોબ લિંચિંગ, ભડકાઉ ભાષણો અને પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ (પૂજા સ્થાન અધિનિયમ) જેવા મુદ્દાઓને ગંભીરતાથી ઉઠાવવા રજુઆત કરી હતી. તેમણે આ અંગે એક આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું.
રજૂઆતમાં ગુજરાતના ગીર સોમનાથ, જૂનાગઢ, આસામના બેટ દ્વારકા, અમદાવાદના ચંડોળા તળાવ અને ઓઢવ સહિતના વિસ્તારોમાં ગરીબોના ઘરો અને ઝૂંપડીઓ પર બુલડોઝર ફેરવી દેવાના મુદ્દાને સંસદમાં ઉઠાવવા અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ નોટિસ આપવી, માલિકી સાબિત કરવા સમય આપવો અને 10 વર્ષથી રહેતા ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવાની રજૂઆત કરવામાં આવી હતી.
તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા ખુલ્લેઆમ અપાતા ઉશ્કેરણીજનક ભાષણો સામે સુપ્રીમ કોર્ટના 2018ના તહસીન પૂનાવાલા ચુકાદાના અમલની માંગ કરવામાં આવી હતી. પોલીસે સ્વતઃ સંજ્ઞાન લઈ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ રજૂઆત કરાઈ હતી. તેમજ મોબ લિંચિંગની કલમો હેઠળ કેસ નોંધવામાં ન આવતું હોવાની જણાવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત પૂજા સ્થાન અધિનિયમનો ચુકાદો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોય ત્યારે આ અંગે યોગ્ય નિર્ણય લેવાની ફરજ પાડવા રજૂઆત કરાઈ હતી.
