વાહનવ્યવહાર મંત્રીની સૂચના અન્વયે એક જ દિવસમાં 241 વાહન ચાલકો સામે કાર્યવાહી
મોરબી : મોરબી શહેર-જિલ્લામાં ટ્રાફિક નિયમન બાબતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી સમક્ષ થયેલી રજુઆત બાદ મોરબી આરટીઓ મેદાને આવ્યું છે અને ગઈકાલે એક જ દિવસમાં અલગ અલગ રસ્તાઓ ઉપર ચેકીંગ કરી બ્લેક ફિલ્મ, ફેન્સી નંબર પ્લેટ, ઓવરલોડ સહિતના જુદા-જુદા નિયમ ભંગ સબબ 241 વાહનચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી 5.66 લાખ રૂપિયા દંડ વસુલ કર્યો હતો.
મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ રાજ્યના વાહન વ્યવહાર મંત્રીની મોરબી જિલ્લાની મુલાકાત દરમિયાન આપેલ સૂચના અન્વયે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા ગઈકાલે તા. 25/07/2025ના રોજ અલગ -અલગ હાઇવે ઉપર ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કાળા કાચ વાળા 37 વાહનો,ફેન્સી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ ન હોય તેવા 77 વાહન ચાલકો અને 25 ઓવરલોડ વાહનો ઉપરાંત મોટર વ્હીકલ એકટને લગતા અન્ય ગુન્હાઓ અન્વયે કુલ 241 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી રૂ.5.66 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
