જેટલું ધ્યાન આપણે દીકરીઓના ઉછેર માટે આપીએ છીએ તેટલું જ ધ્યાન દીકરાઓના ઉછેર માટે પણ આપીએ: રિવાબા જાડેજા
મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે 27 જૂલાઈ ને રવિવારના રોજ 53મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના લીલાપર રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા સરસ્વતી સન્માન સમારોહમાં રાજપૂત સમાજના ધોરણ 5 થી લઈને અનુસ્નાતક કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરનાર સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન તેમજ સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સમાજના આગેવાનો દ્વારા 53 વર્ષથી વર્ષથી આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેનાથી સમાજની ભાવિ પેઢી શિક્ષણના માધ્યમથી પોતાના પરિવારનું, વિસ્તારનું, ગામનું અને દેશનો વિકાસ નિશ્ચિત કરે છે. આગામી વર્ષોમાં દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે આ વિકાસગાથામાં સમાજના યુવાનો શું સ્થાન પ્રાપ્ત કરવા માંગે છે તે અંગે તમામ આગેવાનોએ સમાજના ભવિષ્ય માટે ચર્ચા કરી હતી.
ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે જેટલું ધ્યાન આપણે દીકરીઓના ઉછેર માટે આપીએ છીએ તેટલું જ ધ્યાન દીકરાઓના ઉછેર માટે પણ આપીએ. સમાજના યુવાનોને શિક્ષિત કરવા પણ આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. સમાજ પાસેથી જેટલું શીખી શકાય તે અત્યારના સમયમાં ખુબજ જરૂરી છે. શિક્ષણ ફક્ત અક્ષરજ્ઞાન નથી પણ તે સારી રીતે જીવવા માટેનું ઉત્તમ માધ્યમ છે. દીકરા-દીકરીઓને અહલ્યાબાઈ હોલકરની જીવની એક વખત જરૂર વાંચવી જોઈએ તેમ પણ રિવાબા જાડેજાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 53 વર્ષથી જુલાઈ માસના છેલ્લા રવિવારે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરીએ છીએ. આજે આ કાર્યક્રમમાં 120 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સરસ્વતી સન્માન સમારંભમાં અધ્યક્ષ પદે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ.કે. જાડેજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, દિલુભા જાડેજા, અશોકસિંહ પરમાર, નીરૂભા ઝાલા સહિતનાઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે સૌએ સમૂહ ભોજન લીધું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.


