શાળાની જર્જરિત હાલત હોવાથી 300 વિદ્યાર્થીઓ પર જોખમ
વાંકાનેર : રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળામાં જર્જરિત છત ધરાશાયી થતાં 7 જેટલા વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાની ચિત્રાખડા ગામની શાળા પણ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગામ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે અને શાળામાં સમારકામ અથવા નવું બાંધકામ બનાવવા જણાવ્યું છે.
વાંકાનેરની ચિત્રાખડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં સરપંચ, ઉપસરપંચ અને ગામ લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં જોવા મળ્યું હતું કે, શાળામાં આવેલા બીમમાં પોપડા ખરી ગયા છે. પીલરમાં સળિયા દેખાઈ ગયા છે. પીલરમાં મોટી તિરાડો પડી ગઈ છે. દરવાજા પણ તૂટેલી હાલતમાં છે. શાળાની દિવાલ અને છતમાંથી ગમે ત્યારે પોપડા પડે તેમ છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાનહાનિ થઈ શકે તેમ છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય અને રમતા હોય ત્યારે તેમના ઉપર આ પોપડા પડે તો જવાબદારી કોની ? અમારે ક્લાસરૂમમાં બેસાડીને બાળકોને ભણાવવા નથી, બહાર મેદાનમાં બેસાડીને ભણાવવા હોય તો જ અમારે શાળાએ બાળકોને મોકલવા છે.
આ અંગે ચિત્રાખડા ગામના ઉપસરપંચ તરમશીભાઈ સવશીભાઈ સેંજરીયાએ જણાવ્યું હતું કે, આ શાળામાં ધોરણ 1 થી 8માં ગામના અને આસપાસના ગામના 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની બિલ્ડિંગનું બાંધકામ આશરે 20 વર્ષ જુની છે. જો કે હાલ શાળાની હાલત ખૂબ જ ખરાબ છે. ગમે ત્યારે છત અથવા પિલર પડે તેમ છે. અનેક જગ્યાએ પોપડા ખરી ગયા છે. વરસાદ આવે ત્યારે છતમાંથી પાણી પણ પડે છે. આવી ખરાબ સ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓ બેસીને અભ્યાસ કરી રહ્યા છે. આ અંગે અમે આચાર્યને રજૂઆત કરી હતી અને તેઓ રાજકોટ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
