મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોગો માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો ઈ-પ્રારંભ કરાવ્યો : 28 જુલાઈથી 14 ઓગસ્ટ દરમિયાન આપેલ લિંક પર લોગો ડિઝાઈન સબમિટ કરી શકાશે
ગુજરાત : ગુજરાતની સ્થાપનાના ગૌરવશાળી 75 વર્ષ 2035માં પૂર્ણ થવાના છે. આવા ઐતિહાસિક પ્રસંગની ઉજવણી રૂપે, ગુજરાત સરકારે MyGovindia પ્લેટફોર્મ પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઈન સ્પર્ધાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતના 75 વર્ષની આ ભવ્ય યાત્રાના પ્રતીકરૂપે સર્જનાત્મક અને અર્થપૂર્ણ ‘લોગો’ મંગાવી, તેને રાજ્યના આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતા અને લોકકેન્દ્રિત શાસનને ઉજાગર કરવાનો શુભ આશય આ સ્પર્ધામાં રહેલો છે.
મુખ્યમંત્રીએ સર્જનાત્મકતાની અભિવ્યક્તિના આગવા અવસર સમાન આ લોગો ડિઝાઈન માટેની રાષ્ટ્રીય સ્પર્ધામાં નામાંકનનો Mygov.in પ્લેટફોર્મ પર પ્રારંભ કરાવ્યો હતો. દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલા લોગો તા. 28 જુલાઈ થી 14 ઓગસ્ટ દરમિયાન Mygov.in ની https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે.
આ રાષ્ટ્રીય સ્પર્ધામાં પસંદગી પામનાર લોગોને રૂપિયા 3 લાખનો પુરસ્કાર તેમજ પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે.
ગુજરાત@75 વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ સાથે યોજાનારી ગુજરાત@75 લોગો સ્પર્ધામાં લોકોની સહભાગિતા વધારીને તથા લોકોમાંથી જ પ્રાપ્ત થયેલા લોગો થકી એક આગવી ઓળખ ઊભી કરીને ગુજરાતની સ્થાપનાના 75 વર્ષના ઉત્સવમાં પોતીકાપણું સુનિશ્ચિત કરવાનો ભાવ અભિપ્રેત છે.
ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, ગૌરવશાળી ઇતિહાસ અને અદભુત વારસા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વાઇબ્રન્ટ વિકાસ કર્યો છે તેની અભિવ્યક્તિ આ લોગોમાં સ્પર્ધકો ડિઝાઇન કરીને સબમીટ કરી શકશે. સ્પર્ધાના અન્ય નિયમો અને જાણકારી Mygov.in પર ઉપલબ્ધ કરવામાં આવેલા છે.
આ પહેલ ગુજરાતની સ્થાપનાના 75માં વર્ષની ઉજવણીને જનભાગીદારીથી સર્વ-સમાવેશક અને સર્વવ્યાપી બનાવવાનો એક નવીન પ્રયાસ છે. એટલું જ નહિં, આ સ્પર્ધા દ્વારા નાગરિકો ગુજરાતના વારસા, પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાઈ શકશે અને વિજેતા થયેલ લોગો Gujarat@75 માટે એક આગવું ગૌરવ, આગવી ઓળખ અને વિશેષતા બની રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય સ્પર્ધા માટેના નામાંકનનો ઈ-પ્રારંભ કરાવ્યો તે વેળાએ મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ.હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, સલાહકાર એસ.એસ. રાઠૌર, અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.
