મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર અવની ચોકડી પાસે આવેલ સનફ્લોરા હાઇટ્સ ખાતે મહાપાલિકા દ્વારા આજરોજ ફાયર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આગ લાગે ત્યારે શું કરવું તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
મહાપાલિકાના ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે 6:45 એ ફાયર કંટ્રોલ રૂમ પર કોલ આવ્યો હતો. જે બાદ ફાયર ટીમ તુરંત રવાના થઈ હતી. તેમજ સાત વાગ્યાની આસપાસ ઘટના સ્થળે પહોંચી હતી. પહોંચતાની સાથે તુરંત રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અગાસી પર રાખેલ કેજ્યુઅલ ટીને બચાવી નીચે લાવવામાં આવી હતી. બાદમાં હજુ ઉપર આગ હોવાનું જણાતા ટીટીએલ વાહન દ્વારા ફાયર ફાઇટિંગ કરી આગને કાબુમાં લેવામાં આવી હતી.
ખાસ કરીને નવા સાધનોનો ઉપયોગ કરીને આગને કાબુમા લેવામાં સરળતા રહી હતી. નવા મળેલ 27 મીટરના ટીટીએલ વાહન દ્વારા ઊંચાઈ પર રેસ્ક્યૂ કરવામાં સરળતા રહી હતી. જેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તમામ રહેવાસીઓને ભેગા કરી અને ફાયર માટેની તમામ જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત સનફ્લોરા હાઇટ્સમાં ફાયર માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે આ સાધનોનો ઉપયોગ કેમ કરવો એ પણ શીખવવામા આવ્યું હતું. અંતે મોકડ્રીલ હોવાની જાહેરાત કરાઈ હતી. મોકડ્રીલ સમયે ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા પણ હાજર રહ્યા હતા.

