ખાતરનો જથ્થો ઔદ્યોગિક એકમોને આપી દેવાતો હોવાનો પણ આરોપ : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ખેતીવાડી નિયામકને રજુઆત
મોરબી : મોરબી જિલ્લાના ખેડૂતોને યુરીયા ખાતરની સાથે ફરજિયાત નેનો ખાતર તથા અન્ય દવાઓ આપવામાં આવી રહી છે. જો ખેડૂતો યુરીયા ખાતર સાથે આપવામાં આવતા નેનો ખાતર તથા અન્ય દવા લેવા માટે મનાઈ કરે તો તેઓને યુરીયા ખાત આપવાની મનાઈ કરવામાં આવી રહી છે ત્યારે આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ મોરબીના નાયબ ખેતી નિયામકને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, ખેડૂતો યુરીયા ખાતર લેવા જાય ત્યારે તેઓને કહેવામાં આવે છે કે, ઉચ્ચ કક્ષાએથી યુરીયા ખાતર સાથે ફરજિયાત નેનો ખાતર તથા દવાઓ આપવાનું જણાવાયું છે. જો ખેડૂતો નેનો ખાતર તથા અન્ય દવા લેવાની ના પાડે તો યુરીયા ખાતર આપવું નહીં. તેમ કહીને ખેડૂતો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. તો શું ખેતીવાડી કચેરી તરફથી આવું દબાણ કરવામાં આવે છે કે કેમ ? સાથે જ ખેડૂતોને આપવામાં આવતું ખાતર ઔદ્યોગિક એકમોમાં મોકલી આપવામાં આવતું હોવાની પણ જાણકારી મળી હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે. તેથી ઔદ્યોગિક એકમોમાં મોટા જથ્થામાં આપવામાં આવતું ખાતર અટકાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોને સમયાંતરે ખાતર પૂરું પાડવામાં આવે અને તેની સાથે નેનો ખાતર અને દવાઓ આપવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. જો આમ કરવામાં નહીં આવે તો ના છુટકે ખેડૂતોના સાથે રાખી આગળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ જણાવાયું છે.