ગર્લ્સ કેટેગરીમાં અંડર-17 વિભાગમાં S.M.P. હાઈસ્કૂલ, સિંધાવદરની બહેનોની ટીમ જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની
મોરબી : રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા 2025-26 અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા આજે 30 જુલાઈ 2025 ને બુધવારના રોજ તક્ષશિલા વિદ્યાલય, હળવદ ખાતે યોજાઈ હતી.
આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી આવેલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગર્લ્સ કેટેગરીમાં અંડર-17 વિભાગમાં વાંકાનેર તાલુકાની S.M.P. હાઈસ્કૂલ, સિંધાવદરની બહેનોની ટીમે ફાઇનલમાં ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને જિલ્લા ચેમ્પિયનનું બિરુદ મેળવ્યું હતું.
ચેમ્પિયન ખેલાડીઓને અને ટીમના કોચ જુનેદસરને સંસ્થાના પ્રમુખ જનાબ એસ.કે. પીરઝાદા, સમગ્ર ટ્રસ્ટી મંડળ, શાળાના પ્રિન્સિપાલ એ.એ. બાદી, તથા મોરબી જિલ્લા પ્રશિક્ષણના હેડ કોચે શુભેચ્છાઓ પાઠવી ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. આગામી દિવસોમાં S.M.P. હાઈસ્કૂલની ટીમ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.