ધારાસભ્ય કાંતિલાલની ઉદ્યોગકારોની સાથે રહી સરકારમાં રજુઆત કરતા નેચરલ ગેસમાં ઘટાડાથી સિરામિક ઉદ્યોગને દરરોજનો અંદાજે 75 લાખનો ફાયદો થવાની સંભાવના
મોરબી : પ્રવર્તમાન સમયમાં મંદીના માહોલમાં મોરબીના સિરામિક ઉદ્યોગને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા સિરામિક એકમોમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂ.3.25નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને દરરોજ અંદાજે રૂ.75 લાખનો ફાયદો થશે.
મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ઉદ્યોગકારોની સાથે રહીને રાજ્ય સરકારમાં ગેસના ભાવ અંગે રજુઆત કરી હતી. સરકાર દ્વારા આ રજુઆત પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને આજે નેચરલ ગેસના ભાવમાં 1 ઓગસ્ટથી રૂ.3.25નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. હાલ સિરામિક એકમોમાં દરરોજ સરેરાશ 25 લાખ ક્યુબીક મીટર ગેસનો વપરાશ થાય છે. તેવામાં આ નિર્ણયથી સિરામિક ઉદ્યોગોને અંદાજે રૂ.75થી 80 લાખ જેટલો ફાયદો થશે. આ નિર્ણય બદલ ધારાસભ્ય કાંતિલાલ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માનવામાં આવ્યો છે.
આ અંગે સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું કે હાલ સિરામિકમાં મંદીનો માહોલ છે. સરકાર સમક્ષ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાના સહયોગથી ભાવ ઘટાડાની માંગણી મુકવામાં આવી હતી. જેને ધ્યાને લઇ સરકારે ગેસમાં ભાવ ધટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેથી સિરામિક ઉદ્યોગને હવે રાહત મળશે.
આ અંગે કેપેક્સિલના સિરામિક પેનલના વાઇસ ચેરમેન નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે જે ઉદ્યોગો પ્રોપેન ગેસ વાપરતા હતા. તેની સામે ગુજરાત ગેસ વાપરતા એકમોને વધુ તકલીફ પડી રહી હતી. પરંતુ આ ભાવ ઘટાડાના નિર્ણયથી કપરા સમયમાં એકમોને રાહત મળી છે.