ગાળા અને ગુગણ ગામની વચ્ચે આવેલા કારખાનાઓ દ્વારા વરસાદની સાથે કેમિકલ યુક્ત ઝેરી પ્રવાહી છોડી દેવાથી તળાવ પ્રદુષિત થઈ જવાથી ગામલોકોમાં ભારે આક્રોશ
મોરબી : મોરબીના જુના નાગડાવાસ ગામે તળાવમાં છેલ્લા ત્રણેક દિવસમાં અસંખ્ય માછલાંઓના મોત થયાની ઘટના સામે આવતા જીવદયાપ્રેમીઓમા અરેરાટી વ્યાપી ગઈ છે. ગામ નજીક ગાળા અને ગુગણ ગામ વચ્ચે આવેલા કારખાનાઓના પાપે આ ઘટના બની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જેમાં આ કારખાનાઓએ વરસાદી પાણીની આડમાં વેસ્ટજ એટલે એકદમ ઝેરી પ્રવાહી કેમિકલ છોડી દેતા તળાવનું પાણી એકદમ કાળું પ્રદુષિત થઈ જતા ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
જુના નાગડાવાસ ગામના અગ્રણી દિનેશભાઇ પ્રભાતભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, તેમના ગામ નજીક ગાળા અને ગુગણ ગામ વચ્ચે સીરામીક અને પેપરમિલના કારખાનાઓ આવેલા છે. આ કારખાનાઓમા કેમિકલનો વપરાશ થતો હોય બાદમા વેસ્ટજ આ કેમિકલનો સ્ટોરેજ થાય છે. આ કેમિકલ એકદમ ઝેરી પ્રવાહી હોય છે. જો કે અગાઉ સીરામીક કારખાનામાં કોલગેસનો વપરાશ થતો, આ કોલગેસ માનવ અને પશુ પંખી માટે અંત્યત ખતરનાક હોવાથી એના ઉપર પ્રતિબંધ આવ્યો હતો.ત્યારે હવે આ કેમિકલનો ઉપયોગ થતો હોય પણ એનો વેસ્ટજનો યોગ્ય નિકાલ કરવાને બદલે જોખમી રીતે નિકાલ કરવામાં આવે છે. જેમાં હમણાં ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હોય આ કારખાનાઓ દ્વારા વેસ્ટજ થયેલા ઝેરી કેમિકલનો વરસાદના પાણી સાથે જોખમી રીતે નિકાલ કરવામાં આવ્યો હતો અને એ બધું ઝેરી કેમિકલ જુના નગડવાસ ગામના તળાવમાં આવી ગયું હતું અને ત્રણ દિવસથી સતત આ કારખાનાઓનું ઝેરી કેમિકલ તળાવમાં આવતું હોવાથી તળાવમાં રહેલા અસંખ્ય માછલાંઓના મોત થયા હતા.તળાવનું પાણી એકદમ કાળું પડી ગયું હોય પ્રદુષિત થતા પીવાલાયક ન રહેતા માલધારીઓને તેમના પશુઓને તળાવમા પાણી પીવડાવવા ન લઈ.જવા ચેતવ્યા છે. આ મામલે પ્રદુષણ વિભાગે નમૂના લઈને પૃથ્થકરણ અર્થે મોકલ્યા છે.



