વોટ્સએપમાં આવેલ apk ફાઇલ ખોલતા જ યુવકનું બેન્ક ખાતું સાફ
મોરબી : સાયબર ફ્રોડના વધતા બનાવો વચ્ચે સાયબર ગઠિયા અવનવા કિમીયા અજમાવી લોકોને લૂંટી રહ્યા છે ત્યારે મોરબીમાં આરટીઓનો મેમો મોકલી યુવકના ખાતામાંથી રૂ.2.25 લાખની રકમ ઉસેડી લેવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. નોંધનીય છે કે મોરબીના છેલ્લા એક દોઢ મહિનામાં આરટીઓ મેમોના નામે આ બીજી છેતરપિંડીનો બનાવ બન્યો છે.
મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ આંનદ વિહાર શિવપાર્ક સોસાયટીમાં રહેતા અને ખેતીકામ કરતા પરેશભાઈ માવજીભાઈ વિરપરિયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.16ના રોજ રાત્રીના સમયે તેમના વોટ્સએપમાં આરટીઓ મેમોની એપીકે ફાઇલ કોઈ અજાણ્યા નંબર ઉપરથી આવતા આ apk ફાઇલ ખોલતા જ મોબાઈલ હેક થઈ ગયો હતો અને અલગ અલગ સાત આરોપીઓએ તેમના એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી રૂ.2,25,597 ટ્રાન્સફર કરી લીધા હતા.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે મોબાઈલ હેક કરી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં નાણાં ભરી દેનાર અજાણ્યા વ્યક્તિ તેમજ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરી લેનાર સાતેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.