અર્જુનનગર ગામના પાટિયા પાસે પોલીસને જોઈ જતા કાર ચાલક અને અન્ય એક શખ્સ ફરાર, 16 લાખની મુદ્દામાલ કબ્જે
મોરબી : કચ્છથી જામનગર તરફ જઈ રહેલી વિદેશી દારૂ ભરેલી કારને આંતરવા પ્રયાસ કરતા કાર ચાલકે કાર ભગાવી મુકતા માળીયા મિયાણા પોલીસે કારનો પીછો કરી 470 બોટલ ભરેલી કારને ઝડપી લીધી હતી. જો કે, પોલીસે કારનો પીછો કરતા અર્જુનનગર ગામના પાટિયા પાસે કાર ચાલક તેમજ અન્ય એક શખ્સ પલાયન થઈ ગયા હતા. પોલીસે વિદેશી દારૂ સહિત 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
માળીયા મિયાણા પોલીસને કચ્છ હાઇવે ઉપર વિદેશી દારૂ ભરેલી જામનગર તરફ જઈ રહી હોવાની બાતમી મળતા માળીયા રેલવે ફાટક પાસે પોલીસે વોચ ગોઠવી વાહન ચેકીંગ શરૂ કર્યું હતું. જે દરમીયાન ફોર્ડ એન્ડેવર કાર નંબર જીજે – 12 – ડીજી – 9081નો ચાલક પોલીસને જોઈ યુ ટર્ન મારી નાસી જતા પોલીસે પીછો કરી અર્જુનનગર ગામના પાટિયા નજીકથી કારને ઝડપી લીધી હતી. જો કે, કાર ચાલક તેમજ તેમાં બેઠેલ અન્ય એક શખ્સ નાસી ગયા હતા.પોલીસે કારમાંથી વિદેશી દારૂની 470 બોટલ કિંમત રૂપિયા 6,00,800 તેમજ 10 લાખની કિંમતની કાર કબ્જે કરી કાર નંબરને આધારે આરોપીઓને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.
