ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે ધોબીઘાટ પાસે આવેલ માલિકીના પ્લોટમાં મોબાઈલ ટાવર ઉભો કરવા મામલે પાડોશના રહેતા લોકોએ બબાલ કરી પ્લોટ માલિક વૃદ્ધને જમીનમાં જીવતા દાટી દેવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકમાં ચાર આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા આલાભાઈ દલાભાઈ ચાવડા ઉ.વ.68 નામના વૃદ્ધે આરોપી દિનેશભાઇ ભલાભાઈ સારેસા, ભલાભાઈ ગેલાભાઈ સારેસા, રતનબેન ભલાભાઈ સારેસા અને શારદાબેન દિનેશભાઇ સારેસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીની માલિકીનો પ્લોટ ધોબીઘાટ પાસે આવેલ હોય જે પ્લોટમાં મહિને રૂપિયા 12,500ના ભાડાથી તેઓ મોબાઈલ ટાવર ઉભો કરવા નક્કી કર્યું હોય પરંતુ પ્લોટની બાજુમાં રહેતા આરોપીઓને આ વાત પસંદ ન હોય આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી અહીં મોબાઇલ ટાવર ઉભો નહિ કરવા દઈએ અને હવે જો અહીં આવશો તો જમીનમાં જીવતા દાટી દેશું તેવી ધારીયા અને ધોકા સાથે ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.