બેન્ક ઇ-કેવાયસીના નામે 12.50 લાખનું ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ
મોરબી : સાયબર ગઠિયાઓ અવનવી તરકીબ અજમાવી લોકોને છેતરી રહ્યા છે ત્યારે મોરબીમાં અગાઉ બે લોકો સાથે આરટીઓના મેમોના નામે એપીકે ફાઇલ મોકલી મોટી રકમની છેતરપિંડી થયા બાદ ગઈકાલે ઘુનડા ગામના યુવાન સાથે બેંકનું ઇ – કેવાયસી કરવાના નામે એપીકે ફાઇલ મોકલી રૂપિયા 12.50 લાખની છેતરપિંડી કરવા અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના ઘુનડા ગામે રહેતા નીતિનભાઈ ઠાકરસીભાઇ કોટડીયાએ બે અજાણ્યા મોબાઈલ ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.6 એપ્રિલથી 8 એપ્રિલ 2025 દરમિયાન આરોપીઓએ ફોનમાં ખોટા મેસેજ કરી ઇન્ડ્સઇન્ડ બેંકના ઇ કેવાયસી કરવા માટેની એપીકે ફાઇલ મોકલી હતી. જે ફાઇલ વોટ્સએપમાં ખોલતાની સાથે જ આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા 12.50 લાખ બારોબાર ઉપાડી છેતરપિંડી કરી હતી.બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસે મોબાઈલ નંબરના આધારે બે અજાણ્યા ઈસમો તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.