મોરબી : મોરબી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગામી 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણના હેતુસર વિવિધ વિષયો પર અનુક્રમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓને સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બનાવવી, તેમને આત્મનિર્ભર અને માર્ગદર્શનક્ષમ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે. મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં યોજાનાર આ સપ્તાહ અંતર્ગત 1 ઓગસ્ટ – મહિલા સુરક્ષા દિવસ, 2 ઓગસ્ટ – બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, 4 ઓગસ્ટ – મહિલા સ્વાવલંબન દિવસ, 5 ઓગસ્ટ – મહિલા નેતૃત્વ દિવસ, 6 ઓગસ્ટ – મહિલા કર્મયોગી દિવસ, 7 ઓગસ્ટ – મહિલા કલ્યાણ દિવસ, 8 ઓગસ્ટ – મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે.
આ અવસરે મહિલાઓ તથા કિશોરીઓના કલ્યાણ માટે સ્વ રક્ષણ નિદર્શન, ઘરેલું હિંસા અધિનિયમ, PC – PNDT કાયદો, ગૂડ ટચ બેડ ટચ, મેન્સ્ટ્રુઅલ હાઈજીન, મહિલાઓ માટે રોજગાર મેળો, બાલિકા પંચાયત તથા ખાસ મહિલા સરપંચ સભ્ય સંમેલન, POSH કાયદા કિશોરીઓ મેળો, આરોગ્ય તપાસ, યોગ જાગૃતિ, વક્તૃત્વ સ્પર્ધાઓ જેવા આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ મહિલાઓ તથા કિશોરીઓ હાજર રહી લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.