પર્યાવરણ જાળવણી માટે મોરબીની મયુર નેચર ક્લબ અને વિરંચી આયુ કેરનો અનોખો પ્રયાસ : કેસરબાગના વૃક્ષો અંગે લોકોને પરિચિત કરાયા
મોરબી : પર્યાવરણની કાળજી, જાળવણી અને જાગૃતિ એ સૌની નૈતિક ફરજ છે. આ ઉદ્દેશ્ય સાથે, મોરબીની જ સંસ્થા મયુર નેચર ક્લબના સભ્ય જીતુભાઈ ઠક્કર અને વૈદ્ય કે.જે. ઝાલા (વિરંચી આયુ કેર), પીપળી, દ્વારા મોરબી અને આસપાસના વિસ્તારના વૃક્ષોનો પરિચય કરાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બંને પર્યાવરણ પ્રેમી મિત્રો વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને લોકોને પર્યાવરણલક્ષી માહિતી પૂરી પાડી રહ્યા છે.
આવા જ એક પ્રયાસ રૂપે, તાજેતરમાં તેમણે મોરબી-02, સામા કાંઠે આવેલા કેસરબાગની મુલાકાત લીધી હતી અને ત્યાંના વૃક્ષોનો વિસ્તૃત પરિચય આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કેસરબાગમાં અંદાજે 40 પ્રકારના વૃક્ષો આવેલા છે, જેમાંથી અમુક અલભ્ય અથવા ભાગ્યે જ જોવા મળતા વૃક્ષો પણ છે.
કેસરબાગમાં ઉછરેલા કેટલાક મહત્વપૂર્ણ વૃક્ષોમાં ગરમાળો, શિલીન્ડરા, જાંબુ, હેમેલીયા, લૂણી, મત્સ્યાક્ષી, લીમડો, કરેણ, પીન્કેશિયા, બોટલબ્રશ, સમેરવો, આંકડો, ખપાટ, ઝરૂલ, બોરડી, સોનમહોર, ઉમરો, દુધેલી, લીલી, ચિરંટો, દારીઆ વેલ, પરદા વેલ, ભોંય આંબલી, આંબો, વેડેલિયા, ગોરસ આંબલી, સોપારી, મગામઠી, કડવી મહેંદી, છૂછ, નગોડ, સુદર્શન, જલપીપર, બોરસલી, સરૂ, સહદેવી, અને વાંસ વગેરેનો સમાવેશ થાય છે.
મોરબી મહાપાલિકા બન્યા પછી કેસરબાગ બગીચાની સુંદર માવજત થઈ રહી છે. અહીં એક સુંદર લાઇબ્રેરી પણ આવેલી છે અને નિયમિત રીતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે. આ બંને પર્યાવરણ પ્રેમી મિત્રોએ મોરબી મહાનગરપાલિકાના અધિકારીઓ અને શાસકોને નમ્ર અનુરોધ કર્યો છે કે આ વૃક્ષોની માહિતી બાગમાં યોગ્ય રીતે અને મોટી સાઈઝમાં પ્રદર્શિત કરવામાં આવે. તેમનો ઉદ્દેશ્ય છે કે લોકો, અને ખાસ કરીને બાળકો, પર્યાવરણ પ્રત્યે વધુ સંવેદનશીલ અને જાગૃત બને, જેથી પર્યાવરણ જાગૃતિમાં વધારો થાય. વધુ માહિતી માટે, જીતુભાઈ ઠક્કરનો મો. 9228583743 પર સંપર્ક કરી શકશો.

