મોરબી : મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં અપમૃત્યુના અલગ અલગ ત્રણ બનાવમાં લીલાપર રોડ ઉપર યુવકનું સર્પદંશથી, સાદુળકામા પરિણીતાએ ગળેફાંસો ખાઇ લેવાથી તેમજ આંદરણા ગામે પરિણીતાને પ્રસવ પીડા ઉપડયા બાદ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાન સામે આલાપ રોડના ખૂણે ભાડાના મકાનમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના પપ્પુભાઈ ભીમચંદ સિંગાડ ઉ.33 નામનો શ્રમિક યુવાન રાત્રીના સુતો હતો ત્યારે ઝેરી સાપ કરડી જતા મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
બીજા બનાવમાં મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે ગૌશાળામાં રહેતા શિવાબેન સુરેશભાઈ રબારી ઉ.24 નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના 6 વર્ષ પૂર્વે લગ્ન થયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જ્યારે ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં આવેલ પટેલ માઈક્રો નામના માટીના કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સંગીતાબેન શંકરભાઇ વસુનિયા ઉ.28 નામના ગર્ભવતી મહિલાને પ્રસવ પીડા સાથે પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડતા સારવાર માટે ચરાડવા બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.