રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાના છતર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે સપાટો બોલાવ્યો
ટંકારા : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા પોલીસે સપાટો બોલાવી છતર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન એક સાથે ત્રણ ત્રણ કારમાં વિદેશી દારૂ ભરીને નીકળેલા ચાર શખ્સને ઝડપી લીધા હતા જ્યારે બે શખ્સ નાસી જતા પોલીસે ત્રણ કાર તેમજ 340 બોટલ વિદેશી દારૂ સહિત રૂ.22.40 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કડક કાર્યવાહી કરી હતી.
ટંકારા પોલીસે વિદેશી દારૂની હેરફેર મામલે મળેલી સચોટ બાતમીને આધારે છતર ચેકપોસ્ટ ઉપર વોચ ગોઠવી વાહન ચેકીંગ શરૂ કરતા આરોપી બાંકારામ મંગલારામ ભાભુ રહે. લોહારવા સઉઓ કા ગોલીયા તા.ધોરીમન્ના જી.બાડમેર (રાજસ્થાન), રામનારાયણ મોબતારામ કાકડ, રહે. ચૈનપુરા બોગુડો કી ઢાણી તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન, અકીલભાઇ ફીરોજભાઇ સીડા, રહે. જુનાગઢ બી ડીવીજન પોલીસ સ્ટેશન સામે નરસીંહ સ્કુલ વિસ્તારમાં તા.જી.જુનાગઢ અને આરોપી પ્રવિણભાઇ કેસરીમલ ગોદારા, રહે.રોહીલા પશ્ર્ચિમ તા.સેડવા જી.બાડમેર, રાજસ્થાન નામના શખ્સો (1) ક્રેટા કાર નંબર-GJ-05-RF-0068 કી.રૂ. 4.50 લાખ (2) વર્ના કાર નંબર -GJ -13- N-8874 કી.રૂ.ત્રણ લાખ (3) કીયા કાર નંબર-GJ-36-R-1419 કી.રૂ.5 લાખ વાળીમાં વિદેશી દારૂની સ્કોચની નાની મોટી કુલ બોટલો નંગ-340 કિંમત રૂપિયા 9,75,602 તેમજ મોબાઇલ નંગ-03 કી.રૂ. 15000 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.22,40,602 સાથે ઝડપાઇ ગયા હતા.
વધુમાં દરોડા દરમિયાન સફેદ કલરની કીયા કાર નંબર – GJ – 36- R-1419નો ચાલક નાસી ગયો હતો તેમજ આરોપી અનીલભાઇ રૂગનાથભાઇ જાણી રહે. મોખાવા તા.ગુડામાલાણી જી.બાડમેર હાજર નહી મળી આવતા ટંકારા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી 22.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.