હનુમાનજીના મંદિરમાં સતત ચોરીના બનાવથી ગ્રામજનોમાં રોષ, કડક પોલીસ કાર્યવાહીની માંગ
વાંકાનેર : વાંકાનેરના લુણસરિયા ગામે સતત ત્રીજી વખત ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ વખતે તસ્કરો ચાંદીનો મુગટ ચોરી થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે યોગ્ય પોલીસ તપાસ થાય તેવી ગામના અગ્રણીઓએ માંગ ઉઠાવી છે.
વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ જ્યેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે ગામમાં આવેલ હનુમાનજીના મંદિરમાંથી તસ્કરોએ ચાંદીનો 500 ગ્રામનો મુગટ ચોરી લીધો છે. પેટીમાં પૈસા ન હતા. જેથી તેમાંથી કઈ ગયું નથી. છેલ્લા 9 મહિનામાં આ સતત ત્રીજી ચોરી અહીં થઈ છે. અગાઉ બે વખત ચોરી થઈ તેમાં બે ચાંદીના મુગટ અને ચાંદીનો હાર મળી ત્રણ કિલોથી વધુ ચાંદી અને રોકડની ચોરી થઈ હતી. અગાઉના બે ચોરીના બનાવમાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વખતે પોલીસ યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી ગ્રામજનોની માંગ છે.
