મોરબી : આગામી તારીખ 6 ઓગસ્ટ ને બુધવારના રોજ સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી સંસ્કૃત ભારતી મોરબી તેમજ સાર્થક વિદ્યામંદિર મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિવિધ સંસ્થાઓ દ્વારા સંસ્કૃતનો પ્રચાર-પ્રસાર થાય તેવા ટેબ્લો, વિવિધ વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ ગરબા અને ગીતોની પ્રસ્તુતિ સાથે યાત્રા નીકળશે. વિવિધ સંસ્કૃત ટેબ્લોમાં સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ (સાયન્સ ઇન સંસ્કૃત), સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ અને માહેશ્વર સૂત્રો, પ્રાચીન ભારતની ધરોહર વલભી વિદ્યાપીઠ, સંસ્કૃતમાં રચાયેલ સાહિત્ય વગેરે વિષયો પર ટેબ્લો રજૂ થશે. યાત્રા દરમિયાન સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે રજૂ કરશે.
યાત્રાના સ્થળે સાર્થક વિદ્યામંદિર સ્કૂલમાં તારીખ 6 ઓગસ્ટના દિવસે સંસ્કૃત પ્રદર્શની, સંસ્કૃત ગ્રંથ પ્રદર્શની અને વિવિધ ચિત્રાત્મક રજૂઆતો રજૂ કરવામાં આવશે. તેમજ હાલ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ધોરણ 6 થી 8 અને 9 થી 12 માટે વિવિધ સ્પર્ધાઓ જેવી કે સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા, સ્તોત્ર ગાન સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કરાયું છે. સંસ્કૃત સપ્તાહ દરમિયાન તારીખ 6 ઓગસ્ટે સંસ્કૃત ગૌરવ યાત્રા, તારીખ 7 ઓગસ્ટે સંસ્કૃત સંભાષણદિન અને તારીખ 8 ઓગસ્ટે સંસ્કૃત સાહિત્ય દિનની ઉજવણી કરવામાં આવશે. સમગ્ર યાત્રામાં જોડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

