વાંકાનેર : શહેરમાં જગન્નાથના જન્મના વધામણા કરવા જન્માષ્ટમીના દિવસે શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે ઠેર ઠેર ફ્લોટ્સ બનાવવામાં આવે તેમજ શહેરના દરેક મંદિરમાં રાત્રિના બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને શહેરમાં ગલીએ ગલીએ નંદ ઘેર આનંદ ભયો જય હો નંદલાલકીના નાદથી જાણે ગોકુળિયું વાતાવરણ બની જાય છે.
જન્માષ્ટમીના દિવસે શહેરના જડેશ્વર રોડ પર આવેલ અતિપૌરાણિક ફળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી પરંપરા મુજબ ધામધૂમથી ડી.જે. ના તાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા મુજબ આગામી તા ૧૬ ના રોજ જન્માષ્ટમીના દિવસે ફળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવા તા. ૨ ને શનિવારે સાંજે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ધામેસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં શોભાયાત્રાના રૂટ, શણગાર , વાહનો , ફ્લોટ્સ , ડેકોરેશન સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ શોભાયાત્રા કેરાળા રાણીમાં રૂડીમાં ધામના મહંત મુકેશભગત તેમજ સાધુ સંતો મહંતોની અધ્યક્ષતામાં નિકળશે.
પરંપરા મુજબ જ્યારથી શોભાયાત્રાની શરૂઆત થઈ ત્યારથી વાંકાનેર રાજવી પરિવારના મોભી ફળેશ્વર મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરે છે અને યાત્રાના રથને પ્રસ્થાન કરાવે છે જે પરંપરા આજે પણ ચાલી રહી છે આગામી દિવસોમાં આવનાર જન્માષ્ટમી પર્વે વર્તમાન વાંકાનેરના રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલા તથા સાધુ સંતો મહંતો દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરી યાત્રાને પ્રસ્થાન કરાવશે. બાદમાં શહેરના રાજમાર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં રાજવી અને રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં રાણીમાં રૂડીમાં મંદિરના મહંત મુકેશભગતની આગેવાની હેઠળ શહેર તાલુકાના સાધુ સંતો મહંતો તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ , વિશ્વ હિંદુ પરિષદ , બજરંગ દળ , રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સહિતની સંસ્થાઓ જોડાશે. શોભાયાત્રાના રૂટ પર વર્ષોથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા પાણી ઠંડુ સરબત તેમજ ફરાળની રાવટીઓ બનાવી સેવાઓ કરે છે. ઠેર ઠેર યાત્રાના વધામણા કરવામાં આવે છે તેમજ મટકી ફોડ કાર્યક્રમો યોજાશે. યાત્રામાં ઢોલ નગારા ડી.જે. તેમજ પ્રખ્યાત કલાકારો દ્વારા ભગવાનના ગુણગાન ગાશે. વર્ષોથી નિકળતી શોભાયાત્રામાં શહેર તથા તાલુકાના તમામ હિન્દુ સમાજના ધર્મપ્રિય લોકો મોટી સંખ્યામાં જોડાય છે અને સંગીતના તાલે ઝુમતા નાચતા ભગવાનના જન્મોત્સવને ઉજવવામાં આવે છે. યાત્રા દરમ્યાન કોઈ જ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે નહીં તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
ધર્મસભામાં રાણીમાં રૂડીમાં ધામના મહંત મુકેશભગત, ગાયત્રી શક્તિપીઠના મહંત અશ્વિનભાઈ રાવલ, ફળેશ્વર મંદિરના વિશાલબાપુ , રાજગુરુ નાગા બાવાજી જગ્યાના મહંત ખુશાલગીરી બાપુ , રૂગનાથજી મંદિરના પ્રતિનિધિ , વસુંધરા ઠાકરની જગ્યાના ભારતભગત , સરકડિયા ખોડિયાર મંદિરમાં લાલાભગત સહિતના સાધુ સંતો મહંતો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ધર્મપ્રિય પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.


