હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક માથક રોડ પર પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં આજે બપોરના સમયે એક ઇકો ચાલક કાર સાથે કેનાલમાં ખાબક્યો હતો. જોકે ચાલકને આજુબાજુના લોકોએ તાત્કાલિક કેનાલ કાંઠે દોડી જઈ બહાર કાઢી લીધો હતો.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના શેખપીપરિયા ગામે રહેતા સાજીદભાઈ પીરજાદા નામના વ્યક્તિ રણ કાંઠા વિસ્તારમાંથી પોતાની ઇકો કારમાં ઝીંગા ભરી વાંકાનેર જઈ રહ્યા હતા. ત્યારે હળવદના કડીયાણાથી માથક રોડ પર પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલના નાલે સામે આવી રહેલ બાઈક ચાલકને બચાવવા જતા કાર સાથે ચાલક કેનાલમાં ખાબક્યો હતો.
જો કે ઇકો કારના આગળના દરવાજાના કાચ ખુલ્લા હોય અને કેનાલ કાંઠે જ દુકાન હોય અને ત્યાં અન્ય પાંચથી છ વ્યક્તિઓ બેઠા હોય જેથી તેઓએ તાત્કાલિક ઘટના સ્થળ દોડી જઈ મહા મહેનતે ઇકો ચાલકને કેનાલમાંથી બહાર કાઢયો હતો.જ્યારે ઇકો કારને કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
