બાલવાટિકામાં 5 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને ડી.પી.ટી. સેકન્ડ બૂસ્ટર અને 10 તથા 16 વર્ષના બાળકોને ટી.ડી. વેક્સિનના ડોઝ અપાયા
મોરબી: મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આર.બી.એસ.કે. ટીમ દ્વારા સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત મોરબી શહેરની વિવિધ શાળાઓમાં ડી.પી.ટી. સેકન્ડ બૂસ્ટર અને ટી.ડી. વેક્સિનેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ, બાલવાટિકામાં 5 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને ડી.પી.ટી. સેકન્ડ બૂસ્ટર અને 10 તથા 16 વર્ષના બાળકોને ટી.ડી. વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા. આ રસીઓ બાળકોને ડિપ્થેરિયા, ધનુર અને ઉટાંટિયું જેવા ગંભીર રોગો સામે રક્ષણ પૂરું પાડે છે.
મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ યાદીમાં જણાવ્યું છે કે દરેક બાળકોએ આ વેક્સિન અવશ્ય લેવી જોઈએ જેથી તેમને ઉપરોક્ત ગંભીર રોગોથી બચાવી શકાય. જો કોઈ બાળક આ વેક્સિન લેવાનું બાકી રહી ગયું હોય, તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.


