IMA-નેશનલ બ્રાંચનો બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર ગુજરાતમાંથી મેળવનાર સૌપ્રથમ તબીબ મોરબીના ડો.હિતેશ પટેલ
મોરબી : ઇન્ડિયન મેડિકલ એશોસિયેશન-નેશનલ બ્રાંચ દ્વારા પ્રતિવર્ષ ડોક્ટર્સ ડે નિમિતે સમગ્ર દેશમાંથી કુલ 5 તબિબોને બેસ્ટ એકેડેમિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ આજદીન સુધી સમગ્ર ગુજરાતમાંથી કોઈ પ્રાપ્ત કરી શક્યુ ન હતું. ત્યારે પ્રવર્તમાન વર્ષે સમગ્ર ભારતમાંથી કુલ 5 એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ એવોર્ડ મોરબીની ઓમ કાન-નાક-ગળાની હોસ્પિટલના તબીબ ડો.હિતેશ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગુજરાતમાંથી આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ તબીબ તરીકેનું બિરૂદ મોરબીના ડો.હિતેશ પટેલે મેળવી મોરબી તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યુ છે. સમગ્ર ભારતમાંથી 170 તબીબોની પસંદગી IMA-નેશનલ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કાર્યકાળ દરમિયાન વિવિધ કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે પસંદગી, રીસર્ચ પેપરનું પ્રેસેન્ટેશન સહીતની બાબતોના માપદંડોને આધારે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે મોરબીના ડો.હિતેશ પટેલ કુલ 45 જેટલી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે જોડાયા છે. તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની 120 જેટલી કોન્ફોરન્સમાં ભાગ લીધેલ છે. તેમને તબિબી ક્ષેત્રો વિવિધ સંશોધનોમાં તેમનો સિંહફાળો અર્પણ કર્યો છે. તબીબી ક્ષેત્રે તેમની શ્રેષ્ઠતા તેમજ યોગદાન બદલ તેમને IMA-નેશનલ બ્રાંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો બેસ્ટ પાંચમાંથી પ્રથમ બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર દેશના વરિષ્ઠ તેમજ નિષ્ણાંત તબીબોની હાજરીમાં એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત તેમજ મોરબીને ગૌરવ અપાવવા બદલ ડો.હિતેશ પટેલ પર મોરબી IMAના તબીબો, તેમના સગાં-સંબંધીઓ, મિત્ર વર્તુળ, સ્નેહીજનો તરફથી ચોમેરથી શુભચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તબીબી સેવા ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ મોરબીના ડો.હિતેશ પટેલ આગામી ઓક્ટોબર-નવેમ્બર માસમાં ઈજીપ્ત દેશની રાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ફેકલ્ટી તરીકે જોડાશે. ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડનાર મોરબી તબીબી ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે તેવું તેમણે પુરવાર કર્યુ છે.

